Thursday, 1 September 2011

જસ્ટિસ શાહ ૩૧ માર્ચ પહેલાં રિપોર્ટ આપવાની ખાતરી આપતા નથી

 
મોદીએ પ્રજાને છેતરવા રચેલા કમિશનના વડા

જે તપાસ ચોક્કસ સમયમાં પૂરી ન કરી શકાય તેની તારીખ શું કરવા જાહેર કરાય છેઃ પ્રજાને ગુમરાહ કરાય છે
'હું મોદીનો માણસ નથી' કહેતા જસ્ટિસ શાહ કહે છે, 'મેં એન્કાઉન્ટરોની તપાસનું મોનિટરિંગ કરવાનું કાર્ય બદનામી થવાના ભયથી સ્વીકાર્યું નથી'
(પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર, બુધવાર
ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રામાણિકતાનું સર્ટિફિકેટ મેળવવા માટે પોતાની ઉપર તથા પોતાની સરકાર ઉપર લાગેલા ભ્રષ્ટાચાર- કૌભાંડોના આરોપોની તપાસનું કામ પુરું કરીને ૩૧ માર્ચ, ૨૦૧૨ સુધીમાં રિપોર્ટ સબમિટ કરવાનું જેમને કહ્યું છે તે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ એમ.બી. શાહ નિયત સમયમર્યાદામાં તપાસ પૂરી કરવા માટે બંધાતા નથી. આ સંજોગોમાં જસ્ટિસ શાહ કમિશનના રિપોર્ટ માટે મુખ્ય પ્રધાન મોદીએ જાહેર કરેલી મુદત ગુજરાતના લોકોને છેતરવા કરી હોય તેવી સ્પષ્ટ છાપ ઊભી થઇ છે. 'ગુજરાત સમાચાર' સાથે નિવૃત્ત જસ્ટિસ એમ.બી. શાહે કરેલી વાતચીતની અલપઝલપ અહીં પ્રસ્તુત છે ઃ
પ્રશ્ન ઃ સરકારો મોટેભાગે સમય પસાર કરવા માટે નિમતી તપાસ પંચોની મુદતો લંબાવ્યા જ કરતી હોય છે, ત્યારે તમને ૩૧મી માર્ચ, ૨૦૧૨ સુધીમાં ભ્રષ્ટાચારના ૧૪ કિસ્સાની તપાસ કરવા સોંપાયેલું કાર્ય નિયત સમયમમાં પૂરું થશે ખરું?
ઉત્તર ઃ સોંપાયેલી તપાસમાં મોટાભાગના મુદ્દા જમીન સંપાદનની બાબતના છે અને મને જમીન સંપાદનના વિવાદોને લગતા કેસો નિપટાવવાનો ગુજરાત હાઇકોર્ટમાં તથા સુપ્રીમ કોર્ટમાં બહોળો અનુભવ છે, એટલે ખાસ વાંધો આવશે નહી, અલબત્ત, ઝડપથી આ કિસ્સાઓની તપાસ ત્યારે જ પૂરી થઇ શકે જ્યારે ફરિયાદી પક્ષ તરફથી અને મોદી સરકાર તરફથી જરૃરી પુરાવાઓ મને બનતી ત્વરાએ મળે, જો જરૃરી પુરાવાઓ આપવામાં વિલંબ થાય તો નિશ્ચિત સમયમર્યાદામાં તપાસ પૂરી થઇ શકે નહીં.
પ્રશ્ન ઃ એટલે તમે એમ કહેવા માગો છો કે, ૩૧મી માર્ચ, ૨૦૧૨ સુધીમાં તપાસનું કાર્ય પૂર્ણ નહીં થાય?
ઉત્તર ઃ હું એટલું કહીશ કે તપાસ પૂરી કરવાનું કાર્ય પુરાવાઓ કેટલા ઝડપથી મળે છે તેના ઉપર નિર્ભર છે.
પ્રશ્ન ઃ તમે ૩૧મી માર્ચ, ૨૦૧૨ સુધીમાં તપાસ પૂરી થશે જ એવું દ્રઢપણે કહેતા નથી, બીજી બાજુ ચર્ચા એવી થઇ રહી છે કે, મોદીએ પોતાની ઉપર લાગેલા ભ્રષ્ટાચારના ડાઘ ધોઇ નાખવા માટે અને પ્રામાણિકતાનું સર્ટિફિકેટ મેળવવા માટે પોતાને અનુકૂળ એવા નિવૃત્ત જસ્ટિસ એમ.બી. શાહને જે તપાસ સોંપી છે, તેનો રિપોર્ટ ડિસેમ્બર-૨૦૧૨ સુધીમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં આવવાનો જ નથી. આ બાબતમાં તમારું શું કહેવું છે?
ઉત્તર ઃ મારાથી આ વિશે કશું કહી શકાય નહીં, પણ એટલું હું કહીશ કે, મારે કોઇ રાજકીય પાર્ટી સાથે લેવાદેવા નથી, હું મોદીનો માણસ નથી કે કોંગ્રેસનો પણ નથી.
પ્રશ્ન ઃ તમે જો એમ કહેતા હોવ કે હું મોદીનો માણસ નથી તો મોદી સરકાર તેના કાર્યકાળમાં થયેલા એન્કાઉન્ટરોની તપાસ તમારા વડપણ હેઠળની મોનિટરિંગ ઑથોરિટીની નિગરાની નીચે કરાવવા હાઈકોર્ટને તથા સુપ્રીમ કોર્ટને કહી રહી છે, તેનાથી તમે શું મોદીતરફી હોવાનું પ્રસ્થાપિત નથી થતું?
ઉત્તર ઃ મેં આવી મોનિટરિંગ ઑથોરિટીનું સુકાન સંભાળવાની ના પાડી દીધી છે, કારણ કે, એન્કાઉન્ટરોની તપાસનું મોનિટરિંગ કરવાનું મને ઠીક લાગ્યું નથી અને એમાં બદનામી મળે તેમ હોઇ મેં ના પાડી દીધી છે.
પ્રશ્ન ઃ તમારી પાસે સુપ્રીમ કોર્ટ દ્વારા સોંપાયેલી કાળા નાણા અંગેની તથા ગેરકાયદેસર ખાણકામ અંગેની તપાસો છે જ, ત્યારે આ તપાસના કામથી મોદી સરકાર સામેના ભ્રષ્ટાચારના આરોપોની તપાસના કામમાં શું રૃકાવટ નહીં આવે?
ઉત્તર ઃ કાળા નાણાં અંગેની તપાસમાં તો હું માત્ર એક હિસ્સો છું અને તે અંગે સત્તાવાર રીતે હજી મારી પાસે કશું આવ્યું નથી, જ્યારે ગેરકાયદેસર આયર્ન ઓર તથા મેન્ગેનીઝના ખનન બાબતની ગત નવેમ્બરમાં મને સોંપાયેલી તપાસ અંગેનો મામલો ૫-૬ રાજ્યોને સ્પર્શતો છે, જેમાં ભવિષ્યમાં ગેરકાયદેસર ખાણકામ ના થાય તેના ઉપાયો દર્શાવતો વચગાળાનો રિપોર્ટ તો ગત જૂનમાં સબમિટ પણ થઇ ગયો છે.
જસ્ટિસ શાહ સાથેની પ્રશ્નોત્તરી બાદ ખાસ એ વાતની નોંધ લેવી ઘટે કે આટલી સુજ્ઞા અને બુધ્ધિજીવી વ્યક્તિ જે તપાસ ૩૧મી માર્ચ, '૧૨ સુધી પુરી કરી શકવાના નથી તેવો સ્પષ્ટ અભિપ્રાય ધરાવે છે અને 'જો' અને 'તો'ની વાત કરે છે તો રાજ્ય સરકાર અને તપાસ પંચના અધ્યક્ષ એવી જાહેરાત કેમ કરે છે કે તપાસ ૩૧મી માર્ચ, '૧૨ પહેલા પુરી કરીશું, અને આ તપાસ પંચની મુદત ૩૧મી માર્ચ, '૧૨ સુધીની જ છે. તપાસ હાથ ઉપર લેતાં પહેલાં જ જસ્ટિસ શાહે આ તપાસ કયારે પુરી થશે તેવી ચોક્કસ ખાતરી કર્યા પછી જ તપાસ ક્યારે પુરી થશે તેની તારીખ જાહેર કરવી જોઈએ. બાકી આવા તપાસ પંચો રાજકારણીઓ પોતાના સ્વાર્થી હેતુ માટે બનાવતા હોય છે અને ન્યાયતંત્રની પ્રતિષ્ટાનો પોતાનો સ્વાર્થ સાધવા ઉપયોગ કરતા હોય છે, જેમાં જસ્ટિસ શાહ જેવા પ્રામાણિક ન્યાયમૂર્તિઓ જાણે અજાણે હાથા બની જાય છે અને પ્રજાએ ન્યાયતંત્ર પર મૂકેલો વિશ્વાસ ડગી જવાની શકયતાઓ પ્રબળ બને છે.

No comments:

Post a Comment