Thursday, 1 September 2011

'મિચ્છા મિ દુક્કડં'નો મર્મ સમજે તેઓ જ સાચી ક્ષમાપના કરી શકે છે

'મિચ્છા મિ દુક્કડં'નો મર્મ સમજે તેઓ જ સાચી ક્ષમાપના કરી શકે છે

જે વ્યક્તિ સાથે ક્ષમાપના કરવામાં આપણને સૌથી વધુ સંકોચનો અનુભવ થતો હોય તેને રૃબરૃ મળીને સૌથી પહેલાં તેની સાથે ક્ષમાપના કરવી જોઈએ

દુનિયાના તમામ ધર્મોમાં ક્ષમાપનાનું મહત્ત્વ આંકવામાં આવ્યું છે, પણ જેમાં ક્ષમાપનાનો ખાસ તહેવાર ઉજવવામાં આવતો હોય તેવો એક જૈન ધર્મ જ છે. પર્યુષણના અને ખાસ કરીને સંવત્સરીના દિવસે બધા જૈનો એકબીજાને બે હાથ જોડીને 'મિચ્છા મિ દુક્કડં' કરતાં જોવા મળે છે. એક જમાનામાં 'શુભ દિપાવલી'ના કાર્ડની જેમ 'મિચ્છા મિ દુક્કડં'ના કાર્ડ લખવાનો પણ રિવાજ હતો. હવે આ રિવાજનું સ્થાન ઈ-મેઈલ અને મોબાઈલના એસએમએસે ગ્રહણ કર્યું છે. આ રિવાજ 'મિચ્છા મિ દુક્કડં' જેવા મહાન મનોવૈજ્ઞાાનિક અનુષ્ઠાન છે. જેઓ જૈન શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવેલી ક્ષમાપનાનો મર્મ સમજતાં હોય. જેમણે સાચી ક્ષમાપના કરવી હોય તેમણે રૃબરૃ જવું જોઈએ અથવા છેવટે ફોનથી અંગત રીતે ક્ષમાપના કરવી જોઈએ.
'મિચ્છા મિ દુક્કડંમ્' બાબતમાં અનેક ગેરસમજો પ્રવર્તે છે. તેમાં સૌથી પહેલી ગેરસમજણ જોડણી બાબતમાં છે. 'મિથ્યા મે દુષ્કૃતમ્' આ ત્રણ શબ્દો ઉપરથી પ્રાકૃતમાં તેની જોડણી 'મિચ્છા મિ દુક્કડં' થાય છે. 'ભાષાશુદ્ધિ' નામનાં પુસ્તકમાં મુનિશ્રી હિતવિજયજી લખે છે કે 'મિચ્છા મિ દુક્કડંમ્' આ લેખન અશુદ્ધ છે. આ વાક્યમાં બે શબ્દો નથી પણ ત્રણ શબ્દો છે. 'મિચ્છા'ની સાથે 'મિ'ને જોડી દેવાય નહીં. વળી 'દુક્કડમ્' પણ લખાય નહીં. પ્રાકૃત ભાષાની જોડણીમાં ખોડા અક્ષરને સ્થાન નથી, માટે 'દુક્કડં' જ લખાય. 'મિથ્યા મે દુષ્કૃતમ્'નો અર્થ થાય છે, ''મારું દુષ્કૃત મિથ્યા થાઓ.'' આ શબ્દોમાં જ હૃદયનો પસ્તાવાનો ભાવ વ્યક્ત થાય છે. 'મિચ્છા મિ દુક્કડં' કોઈ શુભેચ્છાનો સંદેશો નથી, પણ માફીનું એકરારનામું છે. શેકહેન્ડ કરતાં 'મિચ્છા મિ દુક્કડં' ન કરવાનું હોય પણ બે હાથ જોડીને ક્ષમાપના સાથે 'મિચ્છા મિ દુક્કડં' કરવાનું હોય.
જેમને જૈન ધર્મનું અલ્પ જ્ઞાાન છે તેવા જૈનેતરો અને કેટલાક જૈનો પણ એવું માનતા હોય છે કે 'મિચ્છા મિ દુક્કડં' માત્ર પર્યુષણના દિવસોમાં અથવા સંવત્સરીના દિવસે જ કરવાનું હોય છે. હકીકતમાં 'મિચ્છા મિ દુક્કડં' પ્રત્યેક ક્ષણે, પ્રત્યેક દિવસે અને પ્રત્યેક મહિને કરવાનું હોય છે. જૈન શાસ્ત્રો મુજબ 'મિચ્છા મિ દુક્કડં' એક જાતનું પ્રતિક્રમણ છે. પ્રતિક્રમણ એટલે પાપથી પાછા હઠવાની ક્રિયા. આ પ્રતિક્રમણ દિવસમાં બે વાર કરવાનું હોય છે. સાચા જૈનો દિવસમાં બે વખત જગતના સર્વ જીવો સાથે 'મિચ્છા મિ દુક્કડં' અવશ્ય કરતા હોય છે. તેના કરતાં પણ વધુ જાગૃત જૈનો જે ક્ષણે કોઈનો અપરાધ થઈ જાય તે ક્ષણે જ 'મિચ્છા મિ દુક્કડં' કરી લેતા હોય છે. તેઓ પ્રતિક્રમણનો સમય થાય તેની રાહ પણ જોતા નથી. તેમને ખબર છે કે આયુષ્યનો કોઈ ભરોસો નથી. જો સંવત્સરીની રાહ જોવામાં મૃત્યુ આવી ગયું તો પાપકર્મો આવતાં ભવમાં નડયા વિના રહેશે નહીં. આ પાપકર્મનું અને વૈરભાવનું તાત્કાલિક વિસર્જન થાય તે માટે નિયમિત 'મિચ્છા મિ દુક્કડં' કરવાની ટેવ પાડવી જોઈએ.
જૈન શાસ્ત્રો કહે છે કે જે હળુકર્મી જીવો છે તેઓ જ ભૂલ થાય કે તરત જ ક્ષમા માંગી લેતા હોય છે. હળુકર્મી એટલે જેમના આત્મા ઉપર લાગેલા કર્મોનો જથ્થો બહુ ઓછો થઈ ગયો છે. ભારેકર્મી જીવો એટલે જેમના કર્મોનો બોજો હજી ભારે છે. જેઓ થોડા ભારેકર્મી છે તેઓ સવાર-સાંજનાં પ્રતિક્રમણ સુધી 'મિચ્છા મિ દુક્કડં' કરવાની રાહ જોતા હોય છે. જેઓ હજી થોડા વધુ ભારેકર્મી છે તેઓ પખવાડિયા સુધી કે ચોમાસાં સુધી રાહ જોતા હોય છે. જેઓ બહુ ભારેકર્મી છે તેઓ સંવત્સરી આવે ત્યાં સુધી ક્ષમાયાચના કરવાની રાહ જોતા હોય છે. જેઓ સંવત્સરી આવે તો પણ 'મિચ્છા મિ દુક્કડં' ન કરે તેમને નાસ્તિક અથવા દુર્ભવી માનવામાં આવે છે. જેઓ પોતાની જાતને ધાર્મિક ગણાવતા હોય તેમના માટે સર્વ જીવો સાથે ક્ષમા કરવા માટેનો અંતિમ અવસર સંવત્સરી છે. જેઓ ૩૬૦ દિવસની મુદ્દત પછી પણ 'મિચ્છા મિ દુક્કડં' કરવા તૈયાર નથી થતાં તેમને ધર્મસંઘની બહાર ગણવામાં આવે છે. સંવત્સરીએ 'મિચ્છા મિ દુક્કડં' કરવા માટેનો છેલ્લો વોર્નીંગ બેલ છે. જેઓ સંવત્સરીમાં પણ જૂના વેરનું વિસર્જન નથી કરતાં તેમની વેરની પરંપરા દીર્ઘજીવી બની જાય છે. જેઓ છેવટે સંવત્સરીના પાવન દિને પણ પોતાના અંતરમાં પશ્ચાતાપનો પાવન અગ્નિ પ્રગટાવે છે, તેમના માટે બચવાની હજી આશા છે. આ રીતે સંવત્સરીમાં 'મિચ્છા મિ દુક્કડં' કરાય છે.
સંવત્સરીના દિવસોમાં પણ જો ખરા હૃદયના વલોપાતપૂર્વક 'મિચ્છા મિ દુક્કડં'ની આરાધના કરવામાં આવે તો તેના પ્રતાપે માત્ર આ ભવના જ નહીં પણ ભવોભવનાં પાપો ધોવાઈ જાય છે. પરંતુ આ ક્ષમાપનામાં ઔપચારિકતા ન હોવી જોઈએ અને યાંત્રિકતા ન હોવી જોઈએ. આજકાલ સંવત્સરીમાં બધા એકબીજા સાથે 'મિચ્છા મિ દુક્કડં' કરતા જોવા મળે છે. તેમાં કાંઈ ખોટું નથી. ક્ષમાપના જગતના બધા જીવો સાથે કરવાની હોય છે, પણ આપણે સમગ્ર વર્ષ દરમિયાન જેમનો વધુ અપરાધ કર્યો છે તેમની સાથે ખાસ ક્ષમાપના કરવાની હોય છે. આપણે જેમની સાથે ક્ષમાપના કરવાની છે તેવા લોકોની લાંબી યાદી બનાવીએ પણ તેમાંથી અમુક નામો છેકી નાંખીએ તો આપણી ક્ષમાપના સાચી ન કહેવાય.
આપણે સંવત્સરીના દિવસે કોની સાથે પહેલા ક્ષમાપના કરવી જોઈએ? આ બાબતનો નિર્ણય કરવા એક નાનકડો પ્રયોગ કરો. આખાં વર્ષ દરમિયાન અથવા આખા જીવન દરમિયાન આપણે કોના કોના દિલોને દુઃખ પહોંચાડયું છે તેવા લોકોની એક યાદી કાગળ ઉપર બનાવો. જેટલાં નામો યાદ આવે એટલાં નામો લખતાં જાઓ. આ યાદીમાં માત્ર જૈનો હોય તેવું જરૃરી નથી. તમારા સંપર્કમાં આવીને જેટલા લોકો દુઃખી થયા હોય એ બધાંનાં નામો લખતાં જાઓ અને તેને તમે ક્યાં કારણે દુઃખી કર્યા છે તે પણ લખતાં જાઓ. પછી વિચારો કે હવે આ યાદી પૈકી કોની કોની ક્ષમા માંગવી છે. જે વ્યક્તિની ક્ષમા માંગવાની બાબતમાં અંદરથી સૌથી વધુ વિરોધ આવે તેનું નામ યાદીમાં પહેલું મૂકો. આ વ્યક્તિને તમે સૌથી વધુ દુઃખી કરી હશે અને હવે તેની ક્ષમા માંગવામાં તમને અહં નડી રહ્યો છે, માટે તેમની ક્ષમા માંગવાની બાબતમાં અંદરથી વિરોધ આવે છે. સામાન્ય રીતે આપણે આવી યાદી તૈયાર કરતા નથી અને કરીએ છીએ તો સૌથી ખટકતાં નામો છેકી નાંખીએ છીએ. આ યાદીમાં એવાં નામો પણ હશે જેમની સાથે મનદુઃખ થયા પછી કાયમના અબોલા થયા હોય અને વર્ષોથી બોલવાનો વહેવાર પણ ન હોય. ખરેખર તો આવા લોકોની ક્ષમા માંગવી વધુ જરૃરી છે. જો સાચી રીતે સંવત્સરીની ઉજવણી કરવી હોય તો આવા લોકોને રૃબરૃ મળીને હૃદયપૂર્વકની ક્ષમાપના કરી લો. આ યાદીને બાયપાસ કરીને તમે જગતના બધા જીવો સાથે ઔપચારિકતા પૂરતું 'મિચ્છા મિ દુક્કડં' કરી લેશો તો પણ તેની ઝાઝી કિંમત ગણાશે નહીં.
ઘણા સગાઓ એવા હોય છે જેમને આપણે વર્ષ દરમિયાન ક્યારેય મળતા નથી. તેમની સાથે આપણો સંબંધ દિવાળીમાં 'સાલ મુબારક' અને સંવત્સરીમાં 'મિચ્છા મિ દુક્કડં' કરવા પૂરતો હોય છે. આવું 'મિચ્છા મિ દુક્કડં' કરવું બહુ સહેલું છે, માટે તેની ઝાઝી કિંમત નથી. જેમની સાથે 'મિચ્છા મિ દુક્કડં' કરવું આપણને સૌથી અઘરું લાગે તેમની સાથેના 'મિચ્છા મિ દુક્કડં'નું સૌથી વધુ ફળ મળે છે. બીજી બાજુ એવા ઘણા સ્વજનો હોય છે, જેમની સાથે આપણે દિવસરાત ટકરાવાનું બનતું હોય છે. આ સ્વજનોમાં પતિ-પત્ની, માતા-પુત્ર, પિતા-પુત્ર, બહેન-ભાઈ, સાસુ-વહુ, ભાઈ-ભાઈ, દેરાણી-જેઠાણી, નણંદ-ભોજાઈ વગેરેનો સમાવેશ થાય છે. ત્યાર પછીના વર્તુળમાં આપણા મિત્રો અને પડોશીઓ આવે છે. આ બધા સાથે આપણે ઔપચારિકતાથી 'મિચ્છા મિ દુક્કડં' કરી લેતા હોઈએ છીએ. આ 'મિચ્છા મિ દુક્કડં'નો પણ ઝાઝો લાભ નથી. આ બધાને 'મિચ્છા મિ દુક્કડં' કરતાં પહેલાં બે મિનિટ માટે આંખો બંધ કરીને તેમની સાથે વર્ષ દરમિયાન આપણે કેવો દુર્વ્યવહાર કર્યો હતો તેનું સ્મરણ કરીને પછી હૃદયપૂર્વક ક્ષમાપના કરીશું તો આપણી આંખોમાં અશ્રુ ધસી આવશે અને આ અશ્રુની ધારામાં આપણો આત્મા પાવન થઈ જશે.
જૈનોમાં એક મોટી ગેરસમજણ છે કે 'મિચ્છા મિ દુક્કડં' માત્ર જૈન સગાસંબંધીઓ સાથે જ કરવાનું હોય છે. જૈન શાસ્ત્રો કહે છે કે જગતના તમામ જીવો સાથે ક્ષમાયાચના કરવાની હોય છે. યાદ કરો કે આપણા ઘરની કામવાળીનું કે આપણી દુકાનના નોકરનું દિલ આપણે કેટલી વાર દુખાવ્યું હશે. યાદ કરો કે આપણી સોસાયટીના વોચમેનને આપણે કેટલી વાર ધમકાવ્યો હશે. યાદ કરો કે સવારમાં છાપું મોડું આવ્યું હોય ત્યારે આપણે કેટલી વાર ફેરિયા સાથે લમણાંઝીંક કરીને તેને ઠપકો આપ્યો હશે. દૂધવાળા ઉપર કેટલી વખત પાણીની ભેળસેળના આક્ષેપો કર્યા હશે. આપણે માલિક હોઈએ તો પણ આપણા સેવકોનું અપમાન કરવાનો આપણને કોઈએ અધિકાર આપ્યો નથી. આ સેવકોની ક્ષમાયાચના કરવામાં કદાચ આપણને આપણો અહંકાર સૌથી વધુ નડી શકે છે, પરંતુ અહંકારને તડકે મૂક્યા વિના સાચી ક્ષમાપના થઈ શકતી નથી.
જૈન ધર્મની ક્ષમાપના એક જબરદસ્ત પ્રકારનો મનોવૈજ્ઞાાનિક ઈલાજ છે. ક્ષમાપના જો યોગ્ય રીતે કરવામાં આવે તો તેનાથી સ્ટ્રેસ, સ્ટ્રેઈન અને ડિપ્રેશન જેવા આજના જમાનાના મનોરોગોમાંથી ચપટી વગાડતા મુક્તિ મળી જાય છે. ક્ષમાપના કરવાથી દિલનો બોજો હળવો થાય છે અને હાર્ટ એટેકનું જોખમ પણ ઓછું થઈ જાય છે. ક્ષમાપના કરવાથી અજ્ઞાાત ભયથી મુક્તિ મળે છે અને બ્લડ પ્રેશરનો વ્યાધિ ટળી જાય છે. ખરા હૃદયથી ક્ષમાપના કરવાથી સ્વજનો સાથેના કથળેલા સંબંધો નવપલ્લવિત થાય છે અને મન પ્રફુલતાનો અનુભવ કરે છે. ખરા હૃદયથી ક્ષમાયાચના કરવાથી એક સ્વસ્થ અને તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય છે. ક્ષમાપના નામની થેરપીનો આજના ડૉક્ટરોએ પણ અભ્યાસ કરવા જેવો છે. જો આખો સમાજ ક્ષમાપનાની કળા હસ્તગત કરી લે તો સમાજમાંથી ઝઘડાઓ નાબુદ થાય અને વિશ્વમાં યુદ્ધની પણ જરૃર રહે નહીં.
- સુપાર્શ્વ મહેતા

No comments:

Post a Comment